આપણે સ્મશાનની બાજુમાં શિવ મંદિરમાં બેઠા છીએ અત્યારે આપણે 17 જણા ચર્ચા કરીએ છીએ આપણે એકબીજાને જે નામથી ઓળખીએ છીએ તે સ્થૂળ શરીર ની અંતિમ મુસાફરી આ સ્મશાનની ચિતા પર પૂરી થશે . પંચમહાભૂતોનું બનેલું સ્થૂળ શરીર પંચ મહાભૂતોમાં ભળી જશે. પણ એ શરીર છોડીને જે જતો રહ્યો તે હું જીવ (આત્મા) છું . આ જીવ (આત્મા)ના શાસ્ત્ર મુજબ ત્રણ શરીર હોય છે
- સ્થૂળ શરીર
- સૂક્ષ્મ શરીર
- કારણ શરીર
શરીરમાં રહેલો જીવ (આત્મા) આ શરીર છોડી દે છે તેને આપણે મૃત્યુ કહીએ છીએ . મૃત્યુ થયા પછી જે શરીર છોડીને ગયો છે જીવ તે આત્માની સદગતિ માટે મહદઅંશે અધ્યાય 15 નું પારાયણ કરવામાં આવે છે . એનું કારણ એ છે કે ભગવાને અધ્યાય 15 માં જે સંસાર છે તેની સરખામણી વૃક્ષ સાથે કરી છે સંસાર ચક્ર માંથી મુક્ત કેવી રીતે થવાય તેની વાત કરી છે
આપણે મરી જઈએ અને પછી આપણા આત્માને સદગતિ માટે ભેગા થયેલા લોકો અધ્યાય 15 નું પારાયણ કરે અને આપણી એટલે આત્માની સદગતિ થાય એ શક્ય છે ?
એના કરતાં આપણે આજે પોતે જ સમજીએ કે અધ્યાય 15માં આત્માની ગતિ વિશે ભગવાને શું કહ્યું છે જેથી આગળનું વાંચતા પહેલા ભગવદ્ ગીતાના અધ્યાય 15 ના શ્લોક અને તેનું ગુજરાતી ભાષાંતર વાંચવું જેથી આપણને આત્માની ગતિ સમજવામાં સરળતા રહે
શ્લોક 6 માં પરમપદ ની વાત કરી છે શ્લોક 7 થી 9 માં જીવની સાથે શું આવે છે જે તેના માટે બીજા જન્મનું કારણ છે
જો માણસ પહેલેથી જ ભગવદ્ ગીતા વાંચતો હોય તો પછી તેને એટલી તો ખબર હોય જ કે સાથે શું આવશે અને અહીંયા શું મૂકીને જવાનો છું
ઘણા લોકોને ઘડપણમાં એ અફસોસ થાય છે કે જે સાથે આવવાનું છે તે ભેગું નથી કર્યું અને જે મૂકી ને જવાનું છે તે ભેગું કર્યું છે
શ્લોક 7 થી 9 ના મુખ્ય મુદ્દા
- જીવ (આત્મા) મારો (પરમાત્માનો) અંશ છે
- વાયુ જ્યાંથી પસાર થાય તે સ્થળની , અગરબત્તીની સુગંધ ને કે ગંદકીની દુર્ગંધ જે હોય તેને સાથે લઈ જાય છે . તેમ જીવ (આત્મા) શરીર છોડે છે ત્યારે મન બુદ્ધિ અહંકાર ચિત મા જે સંસ્કારો સંગ્રહિત કર્યા હોય તે લઈને જાય છે
- મન બુદ્ધિ ચિત અહંકાર માં જે સંસ્કારો સંગ્રહિત હોય તે સંસ્કારો મુજબનું બીજું શરીર મળે અને તે સંસ્કારો મુજબ શરીરનો ઉપભોગ કરે
એનો અર્થ એ કે 17 કે 19 તત્વનું જે સૂક્ષ્મ શરીર છે તેમાં જેવા સંસ્કારો સંગ્રહિત થયા હોય તે સંસ્કારો મુજબની 84 યોની માં જન્મ થાય.
સ્થૂળ સૂક્ષ્મ અને કારણ આ ત્રણ શરીર નો માનવ અને રોડ પર ચાલતી ફોરવીલ ગાડી ના ઉદાહરણથી આપણે ત્રણ શરીર સમજવાની કોશિશ કરીએ
(1) કારણ શરીર : ગાડીનો ડ્રાઇવર
(2) સૂક્ષ્મ શરીર : ગાડીને ચલાવવા માટેના ઉપયોગી એવા
- સ્ટેયરીંગ
- બ્રેક
- એક્સીલેટર
- ગિયર ક્લચ
(3) સ્થૂળ શરીર : ગાડી નું એન્જિન બોડી સીટ વગેરે
(1) સ્થૂળ શરીર
બધા જ સજીવોનું સ્થૂળ શરીર પંચ મહાભૂતોનું બનેલું હોય છે અને તેથી જ્યારે આપણને સ્થૂળ શરીરમાં રોગ થાય કે કંઈ સમસ્યા થાય ત્યારે બધાને જ દવાની એક સરખી અસર થાય છે 800 કરોડ માનવોના સ્થૂળ શરીર ના જે તત્વો છે તે સમાન છે વૈજ્ઞાનિક યુગમાં તો કોઈપણ દવા કે વેકશીનની શોધ થાય પછી તે દવાની અસર શરીરને શું થાય છે અને એની આડઅસર ના અભ્યાસ માટે વાંદરા સસલાં ઉંદર જેવા પશુ પર પ્રયોગ કરવામાં આવે છે અને તે પશુ પર કોઈ આડઅસર ન થાય તેના અભ્યાસ પછી તે દવાનો માનવ પર પ્રયોગ કરવામાં આવે છે.
૨૦૨૨ માં અમેરિકામાં મેરીલેન્ડ હોસ્પિટલના ડોક્ટરે માનવ માં ભૂંડનું હૃદય બેસાડ્યું હતું જે બે માસ જીવીત રહ્યો હતો. આજના જમાનામાં ઘણી જગ્યાએ માની કિડની દિકરામાં પણ ફેલ જાય છે તો ભૂડનુ હૃદય માનવમાં ચાલ્યું એ મોટી સફળતા છે.
આ બધી ચર્ચા એટલા માટે કરવાની કે પશુ પક્ષી માણસ આ બધાના જ શરીરો પંચમહાભૂતોના બનેલા સ્થુળ શરીર સમાન છે.
જો પશુ પક્ષી પ્રાણીઓના સ્થૂળ શરીર સમાન હોય તો તેમાં રહેલો જીવ (આત્મા) પણ સમાન છે આ ભગવદ ગીતાનો, વૈદિકોનો દ્રષ્ટિકોણ છે જેથી ૮૪ લાખ યોની એ જીવને કર્મ અનુસાર મળે છે એ સત્ય છે.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો